Please wait...
10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત પોરબંદરમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ડૉ. વિ આર ગોઢાણીયા કોલેજ ખાતે નશા મુક્તિ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવાઈ પોરબંદર, તા. 20-08-2026, ગુરુવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર તથા લાયન્સ ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ડૉ. વિ આર ગોઢાણીયા કોલેજ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો તથા નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રણાલીબેન જોષી દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમના આયોજન પાછળનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીકાળ જીવનનો અત્યંત મહત્વનો તબક્કો છે અને આ સમયગાળામાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા સારા સંસ્કારો મળે તો તેઓ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું વ્યસન અચાનક થતું નથી, પરંતુ ધીમે ધીમે વ્યક્તિને પોતાની ચપેટમાં લઈ લે છે. તેમણે વિદ્યાર્થીઓને વ્યસન તરફ દોરી જતી સંગતથી દૂર રહેવા અને મિત્રો દ્વારા વ્યસન માટે કરવામાં આવતા આગ્રહને સ્પષ્ટપણે “ના” કહેતા શીખવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે તો ટ્યુશન જેવી વધારાની વ્યવસ્થાની જરૂરિયાત પણ ઘણી હદે ઘટી શકે છે તેમ જણાવ્યું હતું. લાયન સિરાજભાઈ પોપટિયાએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું વ્યસન માનવીને ધીમે ધીમે તેનો ગુલામ બનાવી દે છે. વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના પરિવાર, શિક્ષણ, કારકિર્દી અને સમગ્ર સામાજિક જીવનને પણ નુકસાન પહોંચાડે છે. “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત દેશના કરોડો લોકો, ખાસ કરીને યુવાનો, વ્યસનમુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે તો ભારતમાં સ્વસ્થ, સશક્ત અને સંસ્કારી સમાજનું નિર્માણ કરી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ યુવા પેઢીમાં વધતી વ્યસનની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનો વિવિધ પ્રકારના વ્યસનોથી ઘેરાઈ રહ્યા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપરાંત અભ્યાસ, પરિવારની જવાબદારીઓ અને સામાજિક જીવન ઉપર પણ નકારાત્મક અસર પડી રહી છે. યુવાનો જો વ્યસનથી દૂર રહીને સકારાત્મક જીવનશૈલી અપનાવે તો તેઓ પોતાના પરિવાર તથા સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે, આ શાથે વ્યસનથી દુર રહેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વ્યસનમુક્ત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. ધ્યાન દ્વારા મનને શાંત, એકાગ્ર અને સકારાત્મક રાખવા તથા જીવનમાં સારા વિચારો અને સારા સંકલ્પોને સ્થાન આપવા અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં યુવાનોને નશામુક્ત જીવનના મહત્વ અંગે માર્ગદર્શન આપવાની સાથે વ્યસનથી થતી વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક અસરો અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન સિરાજભાઈ પોપટિયા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રણાલીબેન જોષી, બ્રહ્માકુમારી કોમલ દીદી, બ્રહ્માકુમારી સરોજ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત કોલેજના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો અને “વ્યસનમુક્ત વ્યક્તિ – સ્વસ્થ પરિવાર – સશક્ત સમાજ”ના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
| Benefited People | 350 |
| Raised Of Amount | 7000 |
| Donated Of Amount | 7000 |
Please wait...