• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 03-10-2026, શનિવારના રોજ ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના MSW સેમ-1 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

03 Oct 2026

*લાયન્સ ક્લબ અને લાયન્સ હોસ્પિટલની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી* લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 03-10-2026, શનિવારના રોજ ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના MSW સેમ-1 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર માધુરીબેન લાખાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમના ભાગરૂપે સામાજિક સંસ્થાની મુલાકાતના હેતુથી લાયન્સ ક્લબ પોરબંદર તેમજ લાયન્સ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ લાયન અશ્વિન ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી લાયન્સ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં એક્સ-રે વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ફિઝીયોથેરાપી વિભાગ, ડેન્ટલ વિભાગ, ઇમરજન્સી વિભાગ, લેબોરેટરી તેમજ ઇન્ડોર વિભાગની વિસ્તૃત માહિતી આપી, વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ લાયન્સ ક્લબ શું છે તે અંગે સમજણ આપતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જીવનમાં કોઈપણ સંસ્થાની મુલાકાત દરમિયાન ધીમે ધીમે પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જવું એ જ જીવનમંત્ર બનાવવો જોઈએ. અંતે પ્રોફેસર માધુરીબેન લાખાણી તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી દ્વારા લાયન્સ ક્લબ પોરબંદરની સ્થાપના, તેના કાર્યો, આર્થિક વ્યવસ્થા, સમાજ પ્રત્યેની જવાબદારી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે 132 થી વધુ દેશોમાં કાર્યરત છે, જેના સેવા પ્રકલ્પો એક જ દિવસે, એક જ તારીખે સમગ્ર વિશ્વમાં હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા સરકારશ્રી અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે રહીને જરૂરિયાતમંદ લોકોને વિવિધ ક્ષેત્રે સેવાઓ પૂરી પાડે છે. પોરબંદરના હંગર પ્રોજેક્ટ અને આગામી નવરાત્રી મહોત્સવ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ લાયન્સ ક્લબની મુખ્ય આઠ સેવાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક ભંડોળ એકત્ર કરવાની પદ્ધતિ અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. લાયન સંજય માળી દ્વારા પોરબંદરમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફત સમયે સરકારશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા સૌપ્રથમ સેવાકીય કાર્ય માટે લાયન્સ ક્લબનો સંપર્ક કરવામાં આવે છે અને યોજના અંતર્ગત 1000 થી 1200 લોકો માટે ચા-પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે પ્રોફેસર માધુરીબેન લાખાણી દ્વારા સંસ્થા વિશે વધુ જાણકારી મેળવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન સંજય માળી, પ્રોફેસર માધુરીબેન લાખાણી તેમજ MSW ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Benefited People 60
Raised Of Amount 2000
Donated Of Amount 2000
District 3232J

Please wait...