Please wait...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 30-09-2026, બુધવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી વિવેકાનંદ માધ્યમિક શાળા, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના નિલેશભાઈ થાનકી દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકરએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવન જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સુવર્ણકાળ છે. આ સમયગાળા દરમિયાન શિક્ષકો જે કંઈ ભણાવે તેનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, “જ્યારે અભ્યાસ કરો ત્યારે માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપો.” વિદ્યાર્થી જીવનના આ 10થી 15 વર્ષ ખૂબ જ મહેનત અને એકાગ્રતાથી પસાર કરવામાં આવે તો સમગ્ર જીવન સુખદ અને સફળ બનાવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોજશોખ માટે જીવનમાં આગળ પણ ઘણો સમય મળશે, પરંતુ વિદ્યાર્થી જીવનમાં અભ્યાસને પ્રથમ પ્રાધાન્ય આપવું જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ વ્યસનોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. એક વખત ખરાબ આદત લાગી જાય પછી તેમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. તેથી શરૂઆતથી જ નશા અને વ્યસનથી દૂર રહીને સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવું જોઈએ. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે વ્યક્તિ જ્યારે વ્યસન પાછળ પૈસા ખર્ચે છે ત્યારે માત્ર તેની પોતાની જ નહીં, પરંતુ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ પર તેની ગંભીર અસર પડે છે. પરિવારના સભ્યો માટે જરૂરી ખોરાક અને અન્ય જીવનજરૂરિયાતો પાછળ ખર્ચવાને બદલે વ્યસનમાં પૈસા વપરાતા હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાય છે. તેમણે જણાવ્યું હતું કે વ્યસનમુક્ત ભારતનું નિર્માણ થશે તો જ મજબૂત, સ્વસ્થ અને સુખી રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. બ્રહ્માકુમારી કોમલ દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા અને વ્યસનથી સંપૂર્ણપણે દૂર રહેવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયાએ ગાંજો, ચરસ તથા વિવિધ પ્રકારના નશીલા પદાર્થો અને ડ્રગ્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે જ નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગમાં કાયદાકીય કાર્યવાહી થવાથી સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, શાળાના પ્રિન્સિપાલ નિલેષભાઈ થાનકી, નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા, પુનમબેન દવે, રેણુકાબેન વાળા, દિપ્તિબેન અધ્યારુ, વિરાજસિંહ રાણા સહિત શાળાના સ્ટાફગણ અને આશરે 240 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશામુક્ત જીવન જીવવા તથા પોતાના પરિવાર અને સમાજને પણ નશામુક્ત બનાવવામાં સહભાગી થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
| Benefited People | 240 |
| Raised Of Amount | 3000 |
| Donated Of Amount | 3000 |
Please wait...