• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiyan

11 Aug 2026

નશા મુક્તિ માટે સંકલ્પબદ્ધ બન્યા મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદરના વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 11-08-2026, મંગળવાર: બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ રાજશ્રીબેન સિસોદિયા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકરે નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સમાજના ઘડતરમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. એક સશક્ત અને જાગૃત દીકરી પોતાના પરિવાર ઉપરાંત સમગ્ર સમાજને સકારાત્મક દિશા આપી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો છે. વ્યસનના કારણે વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકતો નથી. લાંબા ગાળે વ્યસન ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને પરિવારને આર્થિક તથા સામાજિક રીતે નુકસાન પહોંચાડે છે. વ્યસનગ્રસ્ત વ્યક્તિ પ્રત્યે સમાજમાં નકારાત્મક ભાવના પણ ઊભી થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર સાથેના સમજૂતી કરાર અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશા મુક્તિ માટે વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં 10 કરોડથી વધુ લોકોને વ્યસનમુક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બ્રહ્માકુમારી પ્રજ્ઞા દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે લાયન નિધિ શાહ મોઢવાડિયાએ નારી શક્તિમાં રહેલી અપરિમિત ક્ષમતાનો સકારાત્મક ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. તેમણે પોતાના ભાવનાત્મક સંસ્મરણો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતે પણ આ જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. આ શાળાએ તેમને શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે, તેથી શાળાનું ઋણ ચૂકવવાની ભાવનાથી થોડા સમય પહેલાં બાલુબા કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સંગઠન બનાવવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના સંગઠનના પ્રયાસોથી શાળાના પુનરુદ્ધાર માટે પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આજે આ શાળાનું સુંદર શૈક્ષણિક સંકુલ ફરી એકવાર જીવંત બન્યું છે તે જોઈને તેમણે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે પોતાની શાળાની પ્રગતિમાં યોગદાન આપવું એ માત્ર જવાબદારી નહીં પરંતુ લાગણીસભર ઋણસ્વીકાર છે. તેમણે વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં પોતાની શાળા, સમાજ અને દેશ પ્રત્યે જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવવામાં આવ્યું હતું. ધ્યાનના કારણે સમગ્ર વાતાવરણ શાંત, આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બની ગયું હતું. વિદ્યાર્થીઓએ નશા મુક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, પાસ્ટ પ્રેસિડન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, શાળાના પ્રિન્સીપાલ રાજશ્રીબેન સિસોદિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી પ્રજ્ઞા દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના પ્રિન્સીપાલશ્રી તથા સમગ્ર શિક્ષકગણે વિશેષ જહેમત ઉઠાવી હતી. નારી શક્તિનો સકારાત્મક ઉપયોગ અને વ્યસનમુક્ત યુવા પેઢીના નિર્માણનો સંદેશ આપતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ, સંકલ્પ અને પ્રેરણાનો સુંદર અવસર બની રહ્યો હતો.

Benefited People 214
Raised Of Amount 11000
Donated Of Amount 11000
District 3232J

Please wait...