Please wait...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 30-09-2026, બુધવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી અક્ષર વિદ્યા મંદિર, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ ભાવિની બેન રાઠોડ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો તથા રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની પ્રવૃત્તિઓ વિશ્વભરમાં ચાલી રહી છે. મુખ્યત્વે 40,000થી વધુ બહેનો દ્વારા સંચાલિત આ સંસ્થા દાદા લેખરાજ દ્વારા 1936-37માં શરૂ કરવામાં આવી હતી અને આજે વિશ્વના 242થી વધુ દેશોમાં તેની પ્રવૃત્તિઓ વ્યાપક રીતે ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર સાથે થયેલા સમજૂતી કરાર અંતર્ગત નશા મુક્તિ અંગેનું આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વ્યસન મુક્તિ માટે આધ્યાત્મિક તથા ધાર્મિક સંસ્થાઓ અને આધ્યાત્મિક ગુરુઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. આ અભિયાનના માધ્યમથી સમાજમાં નશા મુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજના સુસંસ્કૃત માનવીના જીવનમાં અનેક પ્રકારના વ્યસનો પ્રવેશી ગયા છે. વ્યક્તિ વ્યસન પાછળ પોતાનો અમૂલ્ય સમય અને નાણાં ખર્ચી નાખે છે તથા તેના કારણે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા નશા મુક્તિ માટે શિક્ષાત્મક તેમજ જનજાગૃતિના અનેક પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં વ્યક્તિ પોતે જ વ્યસનના કારણે પોતાના જીવનની બરબાદી તરફ આગળ વધે છે. તેમણે જણાવ્યું કે ભારત નશા મુક્ત બનશે તો જ એક સ્વસ્થ, સશક્ત અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. બ્રહ્માકુમારી કોમલ દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા અને પોતાના પરિવારજનો, મિત્રો તેમજ સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયાએ ગાંજો, ચરસ તથા વિવિધ પ્રકારના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા શારીરિક, સામાજિક તથા કાયદાકીય નુકસાન અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. નશીલા પદાર્થોના કેસમાં કાયદાકીય કાર્યવાહી થવાથી સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની વિવિધ બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન સંજય માળી, લાયન પંકજ મોનાણી, પ્રિન્સિપાલ ભૂમિકા ચાવડા, લાખણશીભાઈ ભૂતિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા, પ્રિન્સિપાલ ભાવિનીબેન રાઠોડ, પૂજાબેન ગઢવી, તર્જનીબેન વોરા, સુરભીબેન લાડવા સહિત શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન ચિરાગ કક્કડ તથા લાયન પંકજ મોનાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.
| Benefited People | 192 |
| Raised Of Amount | 3000 |
| Donated Of Amount | 3000 |
Please wait...