• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiyan

10 Aug 2026

નશા મુક્તિ માટે સંકલ્પબદ્ધ બન્યા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 10-08-2026, સોમવાર: બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત નવયુગ વિદ્યાલય, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ તુષાર પુરોહિત દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ નશો કોને કહેવાય, નશાના વિવિધ પ્રકારો, વ્યસનથી થતા શારીરિક અને માનસિક નુકસાન તથા કેન્સર જેવા ગંભીર રોગો અંગે વિદ્યાર્થીઓને સરળ અને અસરકારક શૈલીમાં માહિતગાર કર્યા હતા. બ્રહ્માકુમારી આરતી દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રતિજ્ઞા લઈ નશા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ શાંત, આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બની ગયું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના સેકન્ડ વાઇસ પ્રેસિડન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, પાસ્ટ પ્રેસિડન્ટ લાયન રાજેશ લખાણી, લાયન તેજસ લખાણી, પ્રિન્સીપાલ તુષાર પુરોહિત, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી આરતી દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની યુવા પેઢી દેશનું અમૂલ્ય ધન છે. યુવાનો નશાની લતથી દૂર રહેશે તો તેમનું સ્વાસ્થ્ય, શિક્ષણ, કારકિર્દી અને ભવિષ્ય સુરક્ષિત રહેશે. નશામાં વેડફાતું નાણું જો પરિવારના શિક્ષણ, આરોગ્ય અને વિકાસ પાછળ વપરાય તો અનેક પરિવારોનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બની શકે. નશાથી બચેલો યુવાન પોતાના પરિવારની શક્તિ બને છે અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે છે. નશાની પાછળ પૈસા, સમય અને યુવાની વેડફવાને બદલે એ જ શક્તિનો ઉપયોગ શિક્ષણ, રમતગમત, સંસ્કાર, સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે થાય તે આજની સૌથી મોટી જરૂરિયાત છે. “યુવા નશાથી દૂર, પરિવાર સમૃદ્ધ અને દેશ મજબૂત”—આ વિચારને સાકાર કરવાનો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના પ્રિન્સીપાલશ્રી તથા સમગ્ર શિક્ષકગણે વિશેષ જહેમત ઉઠાવી હતી. “નશો છોડો, જીવન જોડો”ના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને દરેક પ્રકારના હાનિકારક વ્યસનથી દૂર રાખી સ્વસ્થ, સંસ્કારી, જવાબદાર અને નશા મુક્ત સમાજના નિર્માણ તરફ આગળ વધારવાનો હતો.

Benefited People 150
Raised Of Amount 5860
Donated Of Amount 5860
District 3232J

Please wait...