Please wait...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા દમુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 18-08-2026, મંગળવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત વી. જે. મોઢા કોલેજ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ પરેશ સવજાણી દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા બંને સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરએ જણાવ્યું હતું કે, ભારતને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાની જવાબદારી માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની છે. ખાસ કરીને યુવા પેઢી જો નશાથી દૂર રહે અને પોતાના મિત્રો તથા આસપાસના લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરે તો નશામુક્ત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજનો યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વ્યસન વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત તેના માનસિક, સામાજિક અને આર્થિક જીવનને પણ નુકસાન પહોંચાડે છે અને તેની અસર સમગ્ર પરિવાર તથા સમાજ પર પડે છે. તેથી યુવાનોએ વ્યસનોથી દૂર રહી તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવું જોઈએ. વિદ્યાર્થીઓમાં આંતરિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક વિચારસરણી વિકસે તે હેતુથી બ્રહ્માકુમારી લીના દીદી દ્વારા ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાની નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી વર્ષાબેન ટોડરમલ, લાયન ડો. સુરેશભાઈ ગાંધી, જીતેશભાઈ સિદ્ધપુરા, કોલેજના પ્રિન્સિપાલ પરેશ સવજાણી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ રહ્યો કે યુવાનો જ નશામુક્ત ભારતના નિર્માણના સૌથી સશક્ત વાહક બની શકે છે. વ્યક્તિ પોતે નશાથી દૂર રહે અને અન્યને પણ નશાથી દૂર રહેવા પ્રેરણા આપે તો જ “નશામુક્ત ભારત”નું સ્વપ્ન સાકાર થઈ શકે.
| Benefited People | 190 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |
Please wait...