• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા.06-10-2026 :પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય,અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી જી.એમ.સી. સ્કૂલ, છાંયા નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ

06 Oct 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો પોરબંદર, તા. 06-10-2026, મંગળવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી જી.એમ.સી. સ્કૂલ, છાંયા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ કેળવવા, યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા તેમજ સ્વસ્થ, સંસ્કારી અને નશા મુક્ત સમાજના નિર્માણ માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના કો-ઓર્ડીનેટર નેહલ પાંડવ દ્વારા ઉપસ્થિત મહેમાનો, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ તથા બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને અભ્યાસ, પરીક્ષા અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષાને ભયની નજરે જોતા હોય છે, પરંતુ પરીક્ષાને ભય નહીં પરંતુ ઉત્સવ તરીકે જોવી જોઈએ, કારણ કે તે સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ફળ મેળવવાનો અવસર છે. પરીક્ષાના કારણે ભયનો માહોલ ઊભો કરવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીવનમાં સફળ થવા માટે માત્ર નોકરી મેળવવાના હેતુથી જ અભ્યાસ કરવો જરૂરી નથી. એક જાગૃત અને જવાબદાર નાગરિક બનવું પણ એટલું જ મહત્વનું છે. જો યુવાનો નશાના ગેરલાભો અને તેના કારણે વ્યક્તિ, પરિવાર તથા સમાજને થતા નુકસાનને સમજે તો તેઓ ક્યારેય નશાના ગુલામ નહીં બને. તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં સારા સંકલ્પો અપનાવવા અને અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. બ્રહ્માકુમારી સુનિતા દીદીએ પોતાના માર્ગદર્શન દરમિયાન વિવિધ પ્રકારના વ્યસનોના શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક ગેરલાભો અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નશો માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ ધીમે ધીમે તેના પરિવારની શાંતિ, આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠાને પણ અસર કરે છે. વ્યક્તિ નશાની લતનો શિકાર બને ત્યારે સમગ્ર પરિવાર તેની અસર ભોગવે છે અને અંતે સમાજના સ્વાસ્થ્ય તથા વિકાસ ઉપર પણ તેની નકારાત્મક અસર પડે છે. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે યુવાની જીવન ઘડવાનો સમય છે, જીવન બરબાદ કરવાનો નહીં. તેથી યુવાનોને નશા, વ્યસન અને અન્ય દુષણોથી દૂર રહીને પોતાના સમય અને શક્તિનો ઉપયોગ અભ્યાસ, કૌશલ્ય વિકાસ, રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તથા સમાજસેવામાં કરવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી સુનિતા દીદી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવાની તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ નશા મુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન સંજય માળી, લિયો ધર્મેશ મોરી, શાળાના પ્રિન્સિપાલ મનોજ પરમાર, કો-ઓર્ડીનેટર નેહલ પાંડવ,મનીષા ઓડેદરા,પાયલ ખુમાણ,નયનાબેન, રેખાણીબેન, હિરલ બેન, પ્રબીરભાઈ રાજભાઈ,કૃણાલ ભાઈ, બ્રહ્માકુમારી સુનિતા દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા તેમજ શાળાના શિક્ષકગણ અને 190થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાની સાથે સાથે “નશો છોડો – જીવન જોડો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવા પેઢીને નશા મુક્ત રાખવા માટે આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાય તે સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.

Benefited People 190
Raised Of Amount 4000
Donated Of Amount 4000
District 3232J

Please wait...