Please wait...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો પોરબંદર, તા. 25 સપ્ટેમ્બર 2026, શુક્રવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, પોરબંદર ખાતે વિદ્યાર્થીઓમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માતા-પિતા પોતાના સંતાનોને સારું શિક્ષણ મળે તે માટે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના અનેક ત્યાગ અને પ્રયત્નો કરતા હોય છે. વિદ્યાર્થીઓએ માતા-પિતાના સપનાઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારના વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. હાલનો સમય અભ્યાસ અને પોતાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો છે, તેથી વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરી ભવિષ્યમાં પણ વ્યસનમુક્ત જીવન જીવવું જોઈએ અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનવું જોઈએ. બ્રહ્માકુમારી લીના દીદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો છે. વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે પરિવારની જવાબદારી અને સમાજના વિકાસમાં પણ અવરોધરૂપ બને છે. યુવા પેઢી વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે ખૂબ જરૂરી છે. બ્રહ્માકુમારી કોમલ દીદી દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સાથે જ પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું, જેના દ્વારા મનને શાંત રાખવા, એકાગ્રતા વધારવા તથા સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન પ્રણવ શાહ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, ફાધર સજેસ્ટીવ, સ્ટીફન ડિસોઝા, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ અને 450થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ફાધર સજેસ્ટીવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટીફન ડિસોઝાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશા મુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ કેળવવા તેમજ પરિવાર અને સમાજમાં પણ નશા મુક્તિનો સંદેશ પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
| Benefited People | 450 |
| Raised Of Amount | 7000 |
| Donated Of Amount | 7000 |
Please wait...