• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiyan

08 Aug 2026

નશા મુક્તિ માટે સંકલ્પબદ્ધ બન્યા ભાવસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન યોજાયું પોરબંદર, તા. 08-08-2026 શનિવારના રોજ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ નમ્રતાબા જાડેજા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશાથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે નશાની શરૂઆત ઘણી વખત માત્ર મોજ-મસ્તી કે મિત્રોના આગ્રહથી થતી હોય છે, પરંતુ ધીમે ધીમે તે વ્યક્તિના સ્વાસ્થ્ય, અભ્યાસ, કારકિર્દી અને પારિવારિક જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. નશાના કારણે શરીરની કાર્યક્ષમતા ઘટવી, એકાગ્રતા અને યાદશક્તિ પર વિપરીત અસર, માનસિક તણાવમાં વધારો, અભ્યાસમાં મુશ્કેલી, પરિવાર સાથેના સંબંધોમાં તણાવ તથા આર્થિક નુકસાન જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને યુવા પેઢી નશાથી દૂર રહે અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. બ્રહ્માકુમારી કોમલ દીદી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા અને અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રતિજ્ઞા લઈને નશા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન સંજય ડોડીયા, પ્રિન્સીપાલ નમ્રતાબા જાડેજા, શૈલેષ પરમાર, પૂજા રાજા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સીપાલશ્રી તથા શિક્ષકમિત્રોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. “નશો છોડો, જીવન જોડો”ના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને કોઈપણ પ્રકારના હાનિકારક વ્યસનથી દૂર રાખી, સ્વસ્થ, સંસ્કારી અને જવાબદાર સમાજના નિર્માણ તરફ આગળ વધારવાનો હતો.

Benefited People 588
Raised Of Amount 2500
Donated Of Amount 2500
District 3232J

Please wait...