Please wait...
નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા વિદ્યાર્થીઓને આહ્વાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” પોરબંદર, તા. 18-08-2026, મંગળવાર: નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણના ઉદ્દેશ્ય સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત સુરુચિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પોરબંદર ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ સિંધુ વ્યાસે ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો તથા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે જણાવ્યું હતું કે નશામુક્તિનો સંદેશ માત્ર સમાજને આપવાથી નહીં, પરંતુ તેની શરૂઆત પોતાના ઘર અને પરિવારથી કરવી જરૂરી છે. પરિવારના સભ્યો પોતે વ્યસનમુક્ત બને અને ત્યારબાદ અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરણા આપે ત્યારે જ નશામુક્ત સમાજનું સ્વપ્ન સાકાર થઈ શકે. બ્રહ્માકુમારી લીના દીદીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના યુવાનોમાં વિવિધ પ્રકારના વ્યસનોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પશ્ચિમી જીવનશૈલીનું અનુકરણ તેમજ મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો અતિરેક પણ એક પ્રકારના વ્યસનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નશો વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે તેના સામાજિક, આર્થિક અને પારિવારિક જીવન પર પણ નકારાત્મક અસર કરે છે. તેથી યુવાનોએ વ્યસનોથી દૂર રહીને સ્વસ્થ અને સંસ્કારી જીવન અપનાવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી લીના દીદીએ વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવી મનની એકાગ્રતા અને સકારાત્મક વિચારો તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. બ્રહ્માકુમારી સુનિતા દીદીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવાની તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રતિજ્ઞા લઈ નશામુક્ત સમાજના નિર્માણમાં પોતાનો સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન અરજનભાઈ ખિસ્તરીયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી આરતીબેન, બ્રહ્માકુમારી સુનિતા દીદી, શાળાના પ્રિન્સીપાલ સિંધુ વ્યાસ, શાળા સંચાલક ટ્રસ્ટી કેયુરભાઈ જોશી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે શાળા સંચાલક ટ્રસ્ટી કેયુરભાઈ જોશીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ રહ્યો કે “નશામુક્તિની શરૂઆત પોતાનાથી અને પોતાના ઘરથી થાય છે”, અને યુવા પેઢી વ્યસનમુક્ત બનશે તો જ સ્વસ્થ, સુખી અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે.
| Benefited People | 160 |
| Raised Of Amount | 4000 |
| Donated Of Amount | 4000 |
Please wait...