Please wait...
નશા મુક્તિ માટે સંકલ્પબદ્ધ બન્યા નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, પોરબંદરના વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 13-08-2026, ગુરુવાર: બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ ધર્માબેન કે. જોશીએ ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારીઝ સંસ્થા તથા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં લીધેલા સંકલ્પ કે પ્રતિજ્ઞાનું કોઈપણ સંજોગોમાં નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. નશા મુક્ત જીવનનો સંકલ્પ વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજના સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. બ્રહ્માકુમારી કોમલ દીદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોના દુષ્પ્રભાવથી ઘેરાઈ રહ્યો છે. વ્યસનને કારણે વ્યક્તિ પોતાના પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકતી નથી તેમજ સમાજના વિકાસમાં પણ તેનું યોગદાન ઘટે છે. ભારતનું યુવા ધન દેશની અમૂલ્ય શક્તિ છે અને તેને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી બનાવવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નશા મુક્તિ માટે આધ્યાત્મિક અને સામાજિક સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને નશા મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત દેશભરમાં 10 કરોડથી વધુ લોકોને નશા મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બ્રહ્માકુમારી આરતી દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. લાયન કેતનભાઈ હિંડોચાએ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો કેવી રીતે વિકસાવી શકાય અને જીવનમાં નેતૃત્વના ગુણોનું શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પાંચ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકાગ્રતા, શાંતિ અને સકારાત્મક વિચારશક્તિના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, લાયન કેતન હિંડોચા, શાળાના પ્રિન્સિપાલ ધર્માબેન કે. જોશી, બ્રહ્માકુમારી કોમલ દીદી, બ્રહ્માકુમારી આરતીબેન, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશા મુક્ત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
| Benefited People | 125 |
| Raised Of Amount | 5400 |
| Donated Of Amount | 5400 |
Please wait...