• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiyan at zavar school

16 Aug 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 16-08-2026 સોમવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ઝાવર માધ્યમિક શાળા, ઝાવર ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ રાજદીપ સોમૈયા દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “મન ઉપર કાબૂ હોય તો વ્યક્તિ વ્યસનનો શિકાર બનતી નથી અને જો વ્યસનની શરૂઆત થઈ હોય તો પણ મનોબળ અને મક્કમ સંકલ્પ દ્વારા તેમાંથી બહાર આવી શકાય છે.” તેમણે જણાવ્યું કે વ્યસનમુક્તિ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યનો વિષય નથી, પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાથે થયેલા સહયોગના માધ્યમથી નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાની આ સુંદર તક મળી છે. આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્થાઓ લોકોમાં સંકલ્પ, આત્મવિશ્વાસ અને સકારાત્મક જીવનશૈલી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દેશનું યુવા ધન વ્યસનથી દૂર રહી પોતાની શક્તિ અને પ્રતિભાનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં કરે તે સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં 10 કરોડથી વધુ લોકોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વ્યસનથી દૂર રહી સ્વસ્થ પરિવાર અને સશક્ત સમાજનું નિર્માણ કરવું એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોના સંપર્કમાં આવી રહ્યો છે. વ્યસન વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત તેના પરિવાર અને સામાજિક જીવનને પણ અસર કરે છે. યુવાનો વ્યસનથી દૂર રહીને સ્વસ્થ, સુખી અને જવાબદાર સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. બ્રહ્માકુમારી લીના દીદી દ્વારા વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ મનની એકાગ્રતા, આત્મનિયંત્રણ અને સકારાત્મક વિચારશક્તિ વિકસાવી શકે. ત્યારબાદ બ્રહ્માકુમારી આરતી દીદી દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, બ્રહ્માકુમારી કોમલ દીદી, બ્રહ્માકુમારી આરતીબેન, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નશામુક્તિનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતો આ કાર્યક્રમ યુવાનોમાં જાગૃતિ, આત્મનિયંત્રણ અને રાષ્ટ્રપ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. “નશામુક્ત યુવા – સ્વસ્થ પરિવાર – સશક્ત સમાજ – સમૃદ્ધ રાષ્ટ્ર.”

Benefited People 150
Raised Of Amount 5500
Donated Of Amount 5500
District 3232J

Please wait...